વાવાઝોડું એ વર્તુળાકાર ઘુમતુ અને ભારે વેગથી ફુકતું હવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થઇ જમીન ઉપર આવે છે. વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે. વાવાઝોડાની અસર તળે ભારેથી અતિભારે વરસાદ પણ થઇ શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેદા કરતુ પરિબળ છે. હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર તરફ જાય છે. આ કારણે હળવા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે. આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ ગતિ કરી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે.
ગુજરાતમાં વાવાઝોડું ક્યાંથી આવે છે?
ગુજરાતમાં મોટે ભાગે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું આવે છે અને ઉત્તર તેમજ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે છે. તે મોટે ભાગે દરિયાઈ કાંઠાના વિસ્તારો અને ખાડી વિસ્તારોના પ્રદેશોમાં પ્રતિકૂળ અસર કરે છે. જેમાં કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગડ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે. વાવાઝોડાનો કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી. ગુજરાતમાં વાવાઝોડું ચોમાસા પૂર્વે કે પછી આવવાની શક્યતા રહેલી છે. સામાન્ય રીતે મે-જુન અને ઓક્ટોબર-નવેમ્બરના મહિનાઓ વધારે શક્યતાવાળા માની શકાય. વાવાઝોડાની ગતિ દરિયામાં ઓછી હોય છે પણ જમીન પર આવતાની સાથે ગતિ વધે છે. ઘણી વખત વાવાઝોડું એક જ જગ્યાએ લાંબા સમય સુધી સ્થાયી થવાના બનાવ પણ બને છે. આ બાબતમાં હવામાન ખાતાની આગાહી અનુસરવી હિતાવહ છે. વાવાઝોડાની મધ્યરેખાના વિસ્તારોમાં પવનની દિશા એક બાજુથી બીજી બાજુ બદલાય છે અને વચ્ચેના સમયગાળામાં પવન શાંત પડી જતો હોય છે, આ સ્થિતિમાં કાળજી રાખવી.
પૃથ્વીથી હજારો કિલોમીટર ઉંચે તરતા રહેતા ઉપગ્રહોએ મોકલેલ માહિતીને આધારે વાવાઝોડાના ઉદ્દભવ અને ફેલાવા વિશે આગાહી કરી શકાય છે. ભારતમાં હવામાન ખાતાએ વાવાઝોડાના આગમન પહેલા ચાર-સ્તરીય ચેતવણીની પ્રથા ઉભી કરેલ છે.
પ્રથમ ચેતવણી: આ ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના 72 કલાક પહેલા આપવામાં આવે છે. આ ચેતવણી ત્યારે આપવામાં આવે છે જયારે સમુદ્રમાં હવાનું ઓછુ દબાણ સર્જાય છે અને જેનાથી વાવાઝોડાની શક્યતા ઉભી થાય છે. આ બાબત આપણને અરબી સમુદ્રમાનું હવાનું દબાણ વાવાઝોડામાં ક્યારે પલટી શકે છે તેનો અંદાજીત સમય બતાવે છે.
સાવધ રહેવાનો તબક્કો એટલે બીજી ચેતવણી: બીજી ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના 48 કલાક પહેલા આપવામાં આવે છે. આ બાબત આપણને ચેતવે છે કે દબાણનું વાવાઝોડાના સ્વરૂપમાં વિકસિત થવું ચાલુ છે.
ચેતવણીનો તબક્કો એટલે ત્રીજી ચેતવણી: ત્રીજી ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના 24 કલાક પહેલા આપવામાં આવે છે. આ ચેતવણી એ બાબત જાહેર કરે છે કે વાવાઝોડાનો ઉદ્દભવ થઇ ચૂક્યો છે. આ સાથે ઉપગ્રહ મારફતે જિલ્લાઓની વડી કચેરીઓને મોકલવા માટેની માહિતીનું માળખું તૈયાર કરી દેવામાં આવે છે.
આખરી ચેતવણી: વાવાઝોડાનું આગમન: આખરી ચેતવણી વાવાઝોડું જે તે સંભવિત વિસ્તારમાં ત્રાટકવાનું હોય તે પહેલા 12 કલાક આગાઉ આપવામાં આવતી હોય છે. જ્યાં સુધી પવન શાંત ન થઇ જાય ત્યાં સુધી આ ચેતવણી ચાલુ રહે છે અને બીજા બુલેટિનો વાવાઝોડાની પરિસ્થિતિ મુજબ પણ આપવામાં આવે છે. આ ચેતવણી વાવાઝોડાની વિપરીત અસર વિશે માહિતી આપે છે. બંદરોમાં પણ આવનાર વાવાઝોડા વિશે ચેતવણી આપી દેવામાં આવે છે. જેમાં સિગ્નલ નંબર દર્શાવામાં આવે છે. 10 નંબરનું સિગ્નલ સૌથી વધારે ખતરાની નિશાની દર્શાવે છે.
વાવાઝોડાની અસર: પવનની તેજ ગતિ ઉપરના ઉંચા તથા ફંગોળી શકાય તેવા બાંધકામ/સ્ટ્રક્ચરને નુકશાનગ્રસ્ત કરી શકે છે. દરિયાના તોફાનના કારણે ઉંચા મોજાના લીધે કાંઠાના નીચાણવાળા વિસ્તારમાં દરિયાના પાણી ફરી વડે છે અને જમીન ઉપરની માલ-મિલકતને નુકશાનકર્તા નિવડી શકે છે. આનાથી જમીન ક્ષારયુક્ત થઇ જાય અને ખેતીવાડીને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઇ શકે છે. મીઠાના અગરોમાં પાણી ફરી વડે તો મીઠા ઉદ્યોગને તેમજ અગરીયાઓના જાન-માલને નુકશાન થઇ શકે. ભારે વરસાદના કારણે પુર આવે તો જનજીવનને અસ્તવ્યસ્ત કરી શકે. મધદરિયે માછીમારોને ફસાવાની સ્થિતિ ઉભી થાય અને જાન-માલને નુકશાન થઇ શકે.
વાવાઝોડાના આગમન પહેલા આગાહી માટે રેડીઓ, ટી.વી. અને મોબાઇલ દ્વારા તંત્રના સંપર્કમાં રહેવું. માછીમારોએ દરિયામાં જવું નહિ, સલામત સ્થળે બોટને લાંગરવી. દરિયાકાંઠાના અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું. ઘરના બારી બારણા અને છાપરાનું મજબૂતીકારણ કરવું. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડા, મોબાઇ જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી. જરૂરી અને કિમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો. જો જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું. પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા. ગભરાવું કે અફવા ફેલાવવી નહિ. સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવું. વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખો.
વાવાઝોડા દરમિયાન પાણીના સ્ત્રોતથી દુર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું. ઘરની બહાર નીકળવું નહિ. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા. ઘરના તમામ બારી બારણા બંધ કરી દેવા. ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દુર રહેવું.
વાવાઝોડા બાદ સુચના મળ્યા પછી જ બહાર નીકળવું. અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહિ. ઈજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા. કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો. ખુલ્લા-છુટા પડેલા વાયરોને અડકવું નહિ. ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો. ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.
અહીં રજુ કરેલ માહિતી ગૃહ વિભાગ, ભારત સરકાર, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદના માધ્યમથી આપવામાં આવી છે.
No comments:
Post a Comment