19 નવેમ્બર 1968 શ્રી રંગ અવધૂત નું અવસાન
રંગ અવધૂત, જન્મે પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે, (૨૧ નવેમ્બર ૧૮૯૮-૧૯ નવેમ્બર ૧૯૬૮) હિંદુ ધર્મના દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે.
જીવન
તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૯૮ ને કારતક સુદ નોમના રોજ ગોધરા ખાતે મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંત અને કાશીબેનને ત્યાં થયો હતો. તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. ૧૯૨૩માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા. વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.
૧૯ નવેમ્બર ૧૯૬૮ (કારતક વદ અમાસ)ના રોજ હરદ્વારમાં ગંગા તટે તેમનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ નારેશ્વર લાવવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ ૨૧ નવેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે. ગુજરાતમાં દત્તાત્રેયના દત્ત પંથનો ફેલાવો કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે.
No comments:
Post a Comment