મોતીભાઈ નરસિંહભાઈ અમીન
ગુજરાતના ચરોતરના એક સામાજીક કાર્યકર અને શીક્ષણવિદ્દ
શરૂઆતનું જીવન
મોતીભાઈ નરસિંહભાઈ અમીનનો જન્મ ૨૯ સપ્ટેમ્બર ૧૮૭૩ (કારતક સુદ દસમ વિક્રમ સંવત ૧૯૩૦)ના રોજ એમના મોસાળના ગામ માતર તાલુકાના અલિન્દ્રા ગામમાં થયો હતો.[૧] એમના માતા-પિતાનું વતન એ વખતના પેટલાદ તાલુકાનું વસો ગામ હતુ.[૧] એમના માતાનું નામ જીબા હતું અને પિતાનું નામ નરસિંહભાઈ હતું.[૧] જીબાને આંખે ઓછુ દેખાતું હતું અને કાનની થોડી બહેરાશ પણ હતી.[૧] પિતા નરસિંહભાઈ શરીરે કદાવર અને દેખાવડા હતા અને મોટી મુછો રાખતા.[૨] નરસિંહભાઈ અમીન પરિવારમાં વંશપરંપરાગત ઢબે વૈષ્ણવ ધર્મ પળાતો હતો પણ એમણે પોતે સ્વામીનારાયણ ધર્મ અંગીકાર કર્યો હતો.[૨] નરસિંહભાઈ અમીન પુત્ર મોતીભાઈ અમીનના જન્મ સુધી પેટલાદની વહીવટદારની કચેરીમાં કારકુન હતા અને મોતીભાઈના જન્મ પછી એમની બદલી વસો ગામના મેજીસ્ટ્રેટની કચેરીમાં ફોજદારી કારકુન તરીકે થયેલી.[૨] મોતીભાઈની ઉંમર સાડા-ચાર વરસની થઈ ત્યારે એમના પિતાએ હરખાબા સાથે બીજા લગ્ન કર્યા હતા.[૨] છ વરસની ઉમરે મોતીભાઈના લગ્ન રૂપાબા નામની સોજિત્રાની વતની સાત વરસની કન્યા સાથે થયા હતા.[૨] મોતીભાઈની ઉમર સાતેક વરસની આસપાસની હશે એ દરમ્યાન એમના પિતાજીનું મૃત્યુ એક લગ્નપ્રસંગ દરમ્યાન ફટાકડાના પટારો સળગવાના કારણે દાઝી જવાથી થયેલું.[૩] પોતાના લગ્ન પછી અને પિતાના મૃત્યુ પામ્યાના સમયગાળા દરમ્યાન મોતીભાઈએ પોતાનું શાળાજીવન શરૂ કરેલું.[૩] પહેલી જુન ૧૮૮૭માં વસોમાં અંગ્રેજી શાળા પણ શરૂ થઈ[૪] એટલે મોતીભાઈ પણ એમાં ભણવા જવા લાગ્યા. પહેલા વર્ષે અંગ્રેજી શાળાને કુલ ૧૫ વિદ્યાર્થીઓ મળેલા.[૪] વસોમાં એ નિશાળ હેડમાસ્તર મગનભાઈ ચતુરભાઈ અમીનના પ્રયત્નોને કારણે શરૂ થઈ હતી.[૪] "દેશી કારીગરોને ઉત્તેજન" નામના પુસ્તકથી મગનભાઈ ચતુરભાઈ અમીન ખુબજ પ્રભાવિત થયેલા હતા અને એમને કારણે મોતીભાઈ અમીન પર પણ એ પુસ્તકની ગાઢ અસર પડેલી. મોતીભાઈ અમીનના શબ્દોમાં એ પુસ્તકમાં કરવામાં આવેલી દેશી કારીગરીના નાશની સમીક્ષા "પથરા પીગળાવે એવી ચોટદાર છે.".[૩] એ પુસ્તકની અસર હેઠળ અને હેડમાસ્તર મગનભાઈની રહબરી હેઠળ મોતીભાઈએ ૧૮૮૮માં વસોમાં વિદ્યાર્થી સમાજની સ્થાપના કરી હતી.[૪] અંગ્રેજી ચોથી ચોપડી પસાર કર્યા પછી ૧૮૮૯માં એ આગળ અભ્યાસ માટે વડોદરા ગયા.[૪] વડોદરામાં શિક્ષણ લઈ મેટ્રીકની પરીક્ષા આપવા માટે મોતીભાઈ અમદાવાદમાં રાયપુરમાં આકા શેઠની પોળમાં ગોપીલાલ ધ્રુવના ઘરની પાસે એક મહિનો રહ્યા. પ્રથમ પ્રયત્નમાં તેઓ નાપાસ થયા હતા.[૫] અમદાવાદમાં તે ગોપીલાલ ધ્રુવના દીકરી વિદ્યાગૌરીના પતિ રમણભાઈ નીલકંઠના માધ્યમથી પ્રાર્થનાસભાના પરિચયમાં આવ્યા હતા.[૫] ઇ.સ. ૧૮૯૪માં ત્રીજા પ્રયત્ને એમણે મેટ્રીકની પરીક્ષા વડોદરા રાજ્યમાં પાંચમા ક્રમે પાસ કરી અને ત્યારથી એમને વડોદરા રાજ્યની ઉચ્ચ અભ્યાસ માટેની રૂ.પાંચની શિષ્યવૃત્તિ મળવા લાગી.[૫]
No comments:
Post a Comment